આખરે,
તે પૂછ્યું, શું જોઈએ છે તારે?
સોનાનો સેટ કે પેલી મોંઘી સાડી?
જવાબ ન મળતાં,
તું ફરીથી છાપું વાંચવા બેસી ગયો.. થોડી વારે,
ફરી પૂછે છે,
શું તારા તોડી લાવું તારા માટે પ્રિયે?
કે પછી આફતાબ તને ખુશ કરી શકશે?
ફરી મારી ઉદાસીનું કારણ ન સમજાતા,
તું ટીવી શરૂ કરીને બેસે છે,
બબડે છે, પેટ્રોલના ભાવ બે રૂપિયા વધી ગયા,
શું કરે છે સરકાર?
પણ પ્રિયતમ,
મને જે જોઈએ છે, તે છે,
એક ક્ષણ!
અપ્રદૂષિત,
રાજકારણ, ઓફિસ, સેન્સેક્સ
કશું જ નહિ.
એક અખંડિત ક્ષણ..
જે ફક્ત મારા માટે હોય
ફક્ત હું, ફક્ત તું..