વિચારતી હતી કઈ વાત આમ ખૂંચે છે આજકાલ?
પછી અચાનક યાદ આવ્યું,
કદાચ આ જોખી-જોખીને દેખાડાતી લાગણીઓ!
શ્રીમતીજીએ કહ્યું,
શ્રીમાન, પડોશીના છોકરાના સારા માર્ક્સ આવ્યા છે,
જરા બે ગ્રામ શબ્દો બોલતા જજો,
જોજો પાછા, ત્રણ ગ્રામ ના બોલશો,
આપણા છોકરા વખતે એ પણ બે ગ્રામ જ બોલ્યાં’તા!
મિત્રનો જન્મદિવસ!
લાવ, એકાદ ટકા શુભેચ્છા મોકલી દઉં,
નહિતર દુઃખી થશે તો મારો સો ટકા ‘અમૂલ્ય’ સમય બગાડી નાખશે!
સંબંધીનો છોકરો બીમાર છે?
ફોન કરીને ચારેક ડિગ્રી દુઃખ વ્યક્ત કરી હૂંફ આપી દેશું,
જઈશું તો પાછા એ આવશે ય ખરા!
અરે! પેલો કેટલા સમયે દેખાયો છે!
ત્રણ સેમી સ્મિત આપી નીકળી જવા દે,
ઊભો રહીશ તો ચાર મીટર વાતો કરશે,
એટલી વારમાં તો હું ચાર કિમી દૂર ઓફિસે પહોંચી જઈશ!
આવી તો કંઈકેટલીય તોળાયેલી લાગણીઓ!
પણ બધી ગણવા બેસીશ તો પાછો તમારો પાંચ લીટર સમય વધારે બગડી જશે,
એટલે હવે અટકું છું!